ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ્ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છે.
વેદર્ષિ પંડિત સાતવળેકરજીએ શ્રીમદ્ ભગવદ્ગીતાના ૭૦૦ શ્લોકો પર સારગર્ભિત ભાષ્ય કરી પુરુષાર્થ બોધિની ટીકા દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિપ્રેમીઓ માટે અનોખું પ્રબોધન કર્યું છે.
સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી દ્વારા પ્રકાશિત આ શ્રીમદ્ ભગવદ્ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથ અત્યાર સુધીમાં આઠ આવૃત્તિઓ થયા છતાં વર્તમાનમાં સામાન્ય જનતા માટે લાંબા સમયથી ઉપલબ્ધ ન હતો.
પંડિતજી દ્વારા શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપરની આ ભાષ્ય અને ટીકા સહિતની અમૂલ્ય આવૃત્તિના નવસંસ્કરણનો વિમોચન સમારોહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીના કરકમલોથી સ્વાધ્યાય મંડળ સભાગૃહ ખાતે ભારે વરસાદ છતાંય પ્રબુદ્ધજનો અને સંસ્કૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે ગ્રંથ વિમોચક સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીએ ભગવદ્ગીતાની વિવિધ ટીકાની ચર્ચા કરતાં કહ્યું હતું કે કેટલાકે જ્ઞાનપ્રધાન તો કેટલાકે ભક્તિપ્રધાન એવું ભગવદ્ગીતાનું અર્થઘટન કરી એની મહત્તા દર્શાવી છે, પરંતુ પંડિતજીએ સનાતન રાષ્ટ્રના ચૈતન્યને ધ્યાનમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણના ગીતાબોધ થકી પ્રગટતા પુરુષાર્થને મહત્ત્વ આપી નિષ્કામ કર્મયોગના સંદેશને યુગાનુકુળ પ્રકાશિત કર્યો એ આ ગ્રંથની વિલક્ષણતા છે.
આ ગ્રંથનું મુદ્રણસૌજન્ય મુંબઈના પ્રિન્ટોગ્રાફી પરિવારના સર્વશ્રી જયંતીભાઈ, રમેશભાઈ અને ગિરીશભાઈ શાહના દ્વારા એમના વડીલોના પુણ્યાર્થે દાખવવામાં આવ્યું છે.
સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડો. પ્રતાપ ઠોસરે ગ્રંથ-વિમોચક સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજી અને
મુદ્રક સૌજન્યમૂર્તિ શ્રી રમેશભાઈ શાહનું શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરી મહેમાનોનો પરિચય અને આભારદર્શન સંસ્થાના મહામંત્રી શ્રી રાજેશ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રારંભે મા સરસ્વતી સમક્ષ દીપપ્રજ્વલન અને સુમધુર સ્વરોમાં ઋષિકુમારો દ્વારા સરસ્વતીવંદના કરવામાં આવી હતી. અંતે ૐ પૂર્ણમદ:...... ના કલ્યાણમંત્ર સાથે આ ભાવપૂર્ણ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.